Skip to main content

જાણો,કૃષ્ણ પર કેમ આવ્યું હત્યા અને ચોરીનું આળ.?

સત્રાજિત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્યદેવ તેના સ્વામી છતાં પણ પરમ મિત્ર થઇને રહ્યા હતા. સૂર્યે પ્રસન્ન થઇને તેને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો. એક વખત એ મણિને ગળામાં બાંધી સૂર્યની પેઠે પ્રકાશિત તે સત્રાજિત દ્વારકામાં આવ્યો, ત્યાં તેજને લીધે તે ઓળખાયો નહીં. તેના તેજથી જેઓનાં નેત્રો અંજાઇ ગયાં, એવા લોકોએ દૂરથી તેને જોઇ, સૂર્યની શંકાથી ચોપાટ રમતા ભગવાનને તેમની સામે જઇને કહ્યું કે હે નારાયણ! સૂર્યદેવ તમારાં દર્શન કરવાને માટે આવે છે!! ત્રિલોકીમાં મોટા મોટા દેવતાઓ પણ આપના માર્ગને શોધે છે. હમણાં આપને યાદવોમાં ગૂઢ રીતે રહેલા જાણી, સૂર્યદેવ તમારું દર્શન કરવા આવે છે. આ પ્રમાણે અજાણ્યા માણસોનું બોલવું સાંભળી ભગવાને હસીને કહ્યું કે આ સૂર્યદેવ નથી, પણ મણિથી પ્રકાશી રહેલો સત્રાજિત છે. પછી સત્રાજિત યાદવે ઉત્સવને લીધે જેમાં મંગલ કાર્ય કર્યાં હતાં એવાં પોતાનાં ઘરમાં પ્રવેશ કરી પોતાના ઘરમાં રહેલ, દેવ મંદિરમાં બ્રાહ્મણોની પાસે તે મણિનું પ્રતિષ્ઠા વિધિથી સ્થાપન કરાવ્યું.
એ મણિ દિવસે દિવસે આઠભાર સોનું આપતો હતો. તેનું જ્યાં પૂજન થતું હોય ત્યાં દુર્ભિક્ષ, અકાળ મૃત્યુ, અકલ્યાણ, સર્પ, આધિ, વ્યાધિ કે બીજાં કોઇ અશુભના કારણ હોતા નથી. જ્યાં એ મણિની પૂજા થતી હોય ત્યાં માયાવી લોકો પણ રહેતા નથી. એક વખત ભગવાને યાદવોના રાજા ઉગ્રસેનને માટે સત્રાજિતની પાસે એ મણિની માગણી કરી હતી, પણ ધનના લાલચુ સત્રાજિતે ભગવાનની માગણી ભંગનાં પરિણામનો વિચાર નહીં કરતાં તે મણિ આપ્યો ન હતો. સત્રાજિતનો ભાઇ પ્રસેન એક દિવસે એ મોટી કાંતિવાળા મણિને ગળે બાંધી, ઘોડા ઉપર બેસીને વનમાં મૃગયા કરતો હતો, ત્યાં તેને એક કેસરી સિંહ તેના ઘોડા સહિત મારી નાખી મણિ ખેંચી લઇને પર્વતમાં ગયો, ત્યાં તે સિંહને પણ જાંબવાને મણિ લઇ લેવાની ઇચ્છાથી મારી નાખ્યો.જાંબવાને એ મણિ લઇને પોતાની ગુફામાં તેને બાળકના રમકડાંરૂપે રાખ્યો. પોતાના ભાઇ પ્રસેનને નહીં દેખતા તેનો ભાઇ સત્રાજિત પરિતાપ પામવા લાગ્યો અને કહ્યું કે કંઠમાં મણિ પહેરીને મારો ભાઇ વનમાં ગયો હતો, તેને ઘણું કરીને કૃષ્ણે મારી નાખ્યો હશે. આ સાંભળી લોકો કાનોકાન એક બીજાને કહેવા લાગ્યા.
શ્રીકૃષ્ણ ભગવાન આ વાત સાંભળીને પોતાને પ્રાપ્ત થયેલી તે અપકીર્તિ ટાળવા સારુ ગામના લોકોની સાથે પ્રસેનની શોધ કરવા લાગ્યા. વનમાં પ્રસેનને અને તેના ઘોડાને કેસરીએ મારી નાખેલા જોઇ આગળ ચાલેલા લોકોએ તે કેસરીને પણ પર્વત ઉપર જાંબવાન રીંછે મારી નાખેલો જોયો.પછી ઘાટા અંધારાવાળી રીંછના રાજાની ભયંકર ગુફા જોવામાં આવતાં બીજા લોકોને બહાર બેસાડીને તેમાં ભગવાન એકલા જ ગયા.એ ગુફામાં સ્યમંતક મણિને બાળકનું રમકડું કરેલો જોઇ, તેને લઇ લેવાના વિચારથી ભગવાન બાળકની પાસે ઊભા રહ્યા.કોઇ દિવસ નહીં જોએલા એ પુરુષને જોઇ બાળકની ઉપમાતાએ બીકથી ચીસ નાખી, એ સાંભળી ક્રોધ પામેલા મહાબળવાન જાંબવાન દોડી આવ્યા. શ્રીકૃષ્ણના પ્રભાવને નહીં જાણતા જાંબવાન તે પોતાના સ્વામીને કોઇ પ્રાકૃત પુરુષ માની, તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. (પોતાના સ્વામી કહેવાનો એ અભિપ્રાય છે કે રામાવતારમાં ભગવાન રામચંદ્ર જાંબવનના સ્વામી હતા અને એ જ રામ શ્રીકૃષ્ણ છે.) પરસ્પર જીતી લેવાને ઇચ્છતા એ બન્ને જણાનું જેમ માંસને માટે બે બાજ પક્ષીઓનું યુદ્ધ થાય તેમ ભયંકર દ્વંદ્વ યુદ્ધ થયું. આયુધ, પથરા, ઝાડ, હાથ અને વજ્ર પડવા જેવી કઠણ મૂઠીઓથી રાત દિવસ વિસામો લીધા વિના યુદ્ધ કરતાં અઠ્ઠાવીશ દિવસ થયા.ભગવાનની મૂઠીઓના પ્રહારથી જાંબવાનના અંગોના સાંધાઓ શિથિલ થઇ ગયા, બળ ક્ષીણ થયું અને શરીરમાં પસીનો વળી ગયો, તેથી બહુજ વિસ્મય પામીને જાંબવાન આ પ્રમાણે બોલ્યો.સર્વપ્રાણીઓના પ્રાણરૂપ, ઇંદ્રિય, હૃદય તથા દેહના બળરૂપ, પુરાણ પુરુષ, સર્વના પ્રભુ અને સર્વને વશ કરનારા આપને હું વિષ્ણુ જાણું છું.જગતને સર્જનારાં સર્વે તત્ત્વો તેના પણ સર્જક છો, અને જગતને વશ કરનારાઓને પણ વશ કરનારા કાળરૂપ આપ છો, સર્વજીવોના શુદ્ધ અંતર્યામી આત્મા પણ આપ જ છો.પૂર્વે રામાવતારમાં આપના સહેજ પ્રદીપ્ત ક્રોધના કટાક્ષો છૂટતાં જે સમુદ્રમાં મોટાં મગરો અને માછલાંઓ ખળભળી ઊઠ્યાં હતાં, એવા મહાસાગરે તરત જ માર્ગ આપી દીધો હતો, છતાં પણ પોતાની કીર્તિને માટે સેતુ બાંધ્યો, લંકા બાળી અને રાવણનાં માથાં બાણથી કાપીને ધરતી પર પાડ્યાં, તે જ આપ છો.
રીંછના રાજાને જ્ઞાન થતાં શ્રીકૃષ્ણે પરમ કૃપાથી પોતાનો સુખકારી હાથ તે ભક્તના શરીર પર ફેરવીને પ્રેમપૂર્વક કહ્યું કે અમે મણિને શોધતા શોધતા આ ગુફાના દ્વાર આગળ આવ્યા હતા અને આ મણિથી મારા ઉપરનો ખોટો અભિશાપ ટાળવા સારુ હું અંદર આવેલો છું. આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી જાંબવાને ભગવાનના સત્કાર સારુ પ્રીતિથી પોતાની દીકરી જાંબવતીનું સ્યમંતક મણિની સાથે ભગવાનને દાન દીધું.ગુફામાં ભગવાનના પાછા નીકળવાની બાર દિવસ સુધી વાટ જોઇ તો પણ બહાર નહીં નીકળતાં દુઃખ પામેલા દ્વારકાના લોકો પાછા દ્વારકામાં ગયા હતા.દેવકી, રુક્મિણી, વસુદેવ, સંબંધીઓ અને જ્ઞાતિઓ ભગવાનને ગુફામાંથી બહાર નહીં નીકળેલા સાંભળી શોક કરતાં હતાં.દુઃખ પામેલાં અને સત્રાજિતને ગાળો દેતાં દ્વારકાનાં માણસો શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થવા સારુ મહામાયા દુર્ગાદેવીની આરાધના કરવા લાગ્યાં.આરાધનાને લીધે દુર્ગાદેવીએ તેઓને આશીર્વાદ આપ્યો કે તમે શ્રીકૃષ્ણને જોશો, ત્યાં જ તરત સ્ત્રી સહિત અને જેમનું કામ સિદ્ધ થયું હતું, એવા ભગવાન સર્વેને રાજી કરતા પ્રગટ થયા. પાછા આવેલા ભગવાનને સ્ત્રી સહિત તથા ગળામાં મણિ સહિત જોઇને સર્વને આનંદ થયો. પછી ભગવાને ઉગ્રસેન રાજાની સમક્ષ સભામાં સત્રાજિતને બોલાવી મણિ મળવાની સર્વે વાત કહીને તેને મણિ આપી દીધો.મણિ લઇને બહુ જ લજાએલો અને પોતાના પાપથી પસ્તાતો તે સત્રાજિત નીચું મોઢું કરીને ત્યાંથી પોતાને ઘેર ગયો. બળિયા સાથે વિરોધ થવાને લીધે વ્યાકુળ થયેલો તે સત્રાજિત પોતાના મનમાં તે જ વાતનું ધ્યાન લાગી રહેતાં વિચાર કરવા લાગ્યો કે હવે હું મારો અપરાધ શી રીતે ટાળું ? ભગવાન શી રીતે પ્રસન્ન થાય? હું સ્ત્રીઓમાં રત્નરૂપ મારી દીકરી સત્યભામા તથા મણિ એ બંને ભગવાનને આપીશ, તે વિના બીજી રીતે અપરાધની શાંતિ થશે નહીં. સત્રાજિત આ પ્રમાણે નિશ્ચય કરી, સામેથી જઇને પોતાની કન્યા ભગવાનને આપી અને મણિ પણ આપ્યો. શીલ, રૂપ, ઉદારતા અને ગુણવાળાં તે સત્યભામાને ભગવાન પરણ્યાં.પરણીને ભગવાને સત્રાજિતને કહ્યું કે તમારો મણિ અમે રાખીશું નહીં. તમે સૂર્યના ભક્ત છો તેથી તમારી પાસે જ ભલે રહ્યો, અમે તો એમાંથી થતું ફળ લેવાના છીએ. તમે અપુત્ર હોવાને લીધે તમારું ધન અંતે અમારું જ થવાનું છે, એમ ગૂઢ અભિપ્રાય રાખીને ભગવાને આ વચન કહ્યું...

Comments

Popular posts from this blog

કણ કણમાં કૃષ્ણ....

જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
પૃથ્વીના કણકણમાં કૃષ્ણ સમાયેલ છે. પૃથ્વીની એક એક રજમાં તેનો અંશ સમાયેલ છે. જેવી રીતે વ્રજની ગોપીઓ, ગાયો, વાછરડાંઓ, બાલગોપાલ બધાં કૃષ્ણને એક નજર પામીને સુખની અનુભુતીનો અનુભવ કરતાં. પરંતુ મનમાં ઊંડે ઊંડે એક દુઃખ ડોક્યા કરતું. ગોપીઓ હંમેશા વિચારતી કે કૃષ્ણને અમે અમારી હાથે બનાવી જાત જાતના પકવાન ખવરાવીએ, અમારી જાતે માખણ ખવરાવીએ, હર હંમેશ અમારી સાથે જ રહે, તેને ખુબ વહાલ વરસાવીએ. ગાયો પણ મનમાં વિચાર કરતી કે કૃષ્ણ અમારા વાછરડાં સ્વરૂપે દર્શન આપે તો અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. ઉપરોક્ત દરેક ઈચ્છાઓ કૃષ્ણભક્ત અને તે પણ પુર્ણ પણે પવિત્ર હોય જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહી, કોઈપણ પ્રકારની લૌકિક ભાવનાનો અંશ માત્ર ના હોવો જોઈએ તો ભગવાન તે ભક્તની દરેક ઈચ્છા પુરી કરે છે. કૃષ્ણ ગાયો-વાછરડાંઓને અને બાલગોપાલ સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં ગયા. બ્રહ્માજીએ વાછરડાં અને બાલગોપાલને ઉપાડી ગયા. સંધ્યા સમયે ઘર જતાં જેટલા બાલગોપાલ અને વાછરડાંઓ દેખાતાં ન હતાં એટલા સ્વરૂપે કૃષ્ણ દરેક ગાયોના વાછરડાં અને બાલગોપાલના સ્વરૂપે હાજર થયા. ગોપીઓ અને ગાયોની કૃષ્ણભાવના શુધ્ધ અને પવિત્ર તેમજ પુર…

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૮

રાધા:હું પ્રાથના કરીશ કે તને જોઈ એ બધું જ પરમાત્મા આપે. ચાલ હવે હું જાઉં અને તારે પણ જવાનું હશે બધા તારી રાહ જોતા હશે.ફરી મળીશું ક્યારેક આવતા જનમમાં…..(અત્યારે રાધાના ચહેરા પર એક વ્યંગાત્મક હાસ્ય હતું કદાચ એ એના નસીબ પર, એના ભાગ્ય પર હસતી હશે.)

આટલું કહીં રાધા નીચું જોઈ ને ચાલવા લાગી એના ચહેરા અને ચાલમાં મક્કમતા હતી અને એક અદભૂત શાંતિ જણાતી હતી કદાચ એને સમયની ચાલ ને સ્વીકારી લીધી હતી એટલા માટે.એને એક વાર પણ પાછું વળીને નહતું જોયું. પરંતુ કૃષ્ણ નું મન હજુ અશાંત હતું એના મનમાં નવા  ઉદ્વેગોએ જન્મ લીધો હતો. એને પૂછવું હતું રાધાને કે “છેલ્લી વાર મને વળાવા નહી આવે?”  પરંતુ એનું મન સાહસ ના કરી શક્યું. રાધાએ હવે થોડું ગણું અંતર કાપી લીધું હતું પણ એ સ્પસ્ટ જોઈ શકાતી હતી કૃષ્ણ એક પલકારો પણ નહતો મારતો કદાચ એને જતી રાધાને મન ભરીને જોવી લેવી હતી છેલ્લી વાર. થોડી વાર પછી રાધા અસ્પસ્ટ થઇ હવે થોડીક જ નજીક માં એક વળાંક હતો ત્યાંથી એ વળી જવાની હતી,કૃષ્ણને હવે એને આપેલા ભોગ ની કિંમત સમજાઈ હતી એને મન થયું કે એ દોડી ને રાધાને રોકી લે પરંતુ ખબર નહી કેમ એના પગ ઉપડ્યા જ નઈ. શું હતું એનું કારણ?………

રાધે ક્રિષ્ના અંતિમ સંવાદ ભાગ-૭

કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.

<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિ…